રેખા પટેલ(વિનોદિની)
આવાત ખરા અર્થમાં દેશની બહાર પરદેશમાં વસતા થઇએ ત્યારે સાચી લાગે છે. આમ તો આપણા દેશના કેટલાંક ગામોમાં એકતાનો પ્રભાવ બીજા ગામો કરતાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેમાંય ગામ, શિક્ષણ, કલ્ચર સાથે સમૃદ્ધિ ભરેલું હોય તો આવી એકતા વધુ રહેલી છે.
આવા ગામોમાં મોખરાનું નામ ધરાવતું ચરોતરનું ‘ભાદરણ’ ગામ છે. નાનકડા ગામ ભાદરણની સ્વચ્છતા અને ત્યાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓની પ્રગતિનો ગ્રાફ છેલ્લા સો વર્ષથી એકધારો ઊંચો જતો જાય છે. જે માટે એક કારણ છે પરદેશમાં વસતા વતન પ્રેમીઓનો ગામ માટેનો લગાવ. ‘જો આપણું ઘર વહાલું હોય તો આંગણું વહાલું હોવું જ જોઇએ’ આ માન્યતા ત્યાં બાળપણથી શીખવવામાં આવે છે. ભાદરણ તેની સ્વચ્છતાને પરિણામે આજે ભાદરણ જાણીતું ગામ બની રહ્યું છે.
હવે વાત પરદેશમાં વસતા વતન પ્રેમીઓની કરું તો અમેરિકાના ન્યૂ જર્સી સ્ટેટમાં 1980માં ભાદરણ સમાજની શરૂઆત સાવ નાના પાયે થઇ હતી. જેમાં શૈલેષભાઇ, પ્રફુલભાઇ, તારકભાઇની સાથે તેમની ગૃહિણીઓનો પણ આ કાર્યમાં સંપૂર્ણ સહકાર મળી રહેતો. શરૂઆતમાં મીકીબેન, મયૂરીબેન વગેરે ડ્રામા તૈયાર કરતા. તેમની દીવાળી પાર્ટી અને પિકનિકે આજે પાર્ક પિકનિકનું સ્વરૂપ લીધું છે.
આ વખતે સમર પિકનિક 18 જૂનના રોજ રડ્ગર્સ યુનિવર્સિટી પાસે આવેલા હાઇલેન્ડ પાર્કમાં આયોજિત કરાઇ હતી. સવારે દસ વાગ્યાથી શરૂ કરાયેલી આ પિકનિકમાં યોજાયેલી આરોગ્ય શિબિરમાં મૂળ ભાદરણના ન્યૂ જર્સીમાં રહેતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અક્ષય પટેલે આવનાર દર્દીઓનું મફત કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર ચેક કર્યું હતું. તો બીજી બાજુએ પાર્કમાં ભારત પાકિસ્તાનની મેચને નિહાળવા માટે ટીવી અને સેટેલાઇટની ખાસ વ્યવસ્થા કરાઇ હતી અને સાથે વોલીબોલ અને ક્રિકેટ જેવી રમતો તો ખરી જ. ..!
આવી પિકનિકની ખાસ મજા પાર્કમાં ખવાતા ફૂડની હોય છે. સવારે ફાફડા-જલેબી-મેથીના ગોટા સાથે ચાય-કોફીથી થયેલી શરૂઆત છેક સાંજ પડતાં સુધીમાં કેટ-કેટલી વાગનીઓ સુધી લંબાઇ ગઇ. આ વખતે આશરે 400 જેટલા વતનપ્રેમીઓ હાજર રહ્યા હતા. વિઝીટર્સમાં ફિલાડેલ્ફિયા, ડેલાવર, મેરીલેન્ડઅને દૂરના સ્થળોએથી ખાસ પિકનિક માટે આવ્યા હતા. કલ્પેશભાઇ પટેલ છેક ફ્લોરિડાથી દર વર્ષે બે દિવસ આ પિકનિકમાં હાજર રહે છે.
પાર્ક હોય અને બાળકોને કેમ ભૂલાય? બાળકો માટે વોટરબલૂનની રમતમાં મિકીબહેને બાળકોને ખૂબ મજા કરાવી હતી. તેમનો બાળકો પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ દેખાઇ આવતો હતો. આ સાથે ફેઇસ પેન્ટિંગ અને મેજિશિયનને પણ બોલાવાયો હતો. આ ઉપરાંત ફાધર્સ-ડે હોવાથી બાળકો પાસે કેક પણ કપાવાઇ હતી.
એક ખાસ વાત અહીંની એ છે કે અહીં સમાજમાં કોઇ પ્રેસિડેન્ટ કે બીજા હોદ્દાઓ નથી, બધા સભ્યો એક થઇ કામ કરે છે. નોંધ લેવા જેવી બાબત છે કે જેમાં ખાસ આજના યુવાનોએ આ જવાબદારી ઉપાડી હોંશભેર આ કાર્ય આગળ વધારી રહ્યાં છે.
અમેરિકામાં સમયનો દરેકને અભાવ હોય છે. તેમાં ભાદરણના મયંક પટેલ (ડઘુ) અને તેમની પત્ની ધ્વનિએ બહુ મહેનત અને હોંશથી જવાબદારીઓ ઉપાડી લીધી હતી. આ ઉપરાંત પાર્કમાં લાવેલી બધી જ સેન્ડવીચ તેમણે તેમની સેન્ડવીચ શોપમાં બનાવીને ફ્રી સ્પોન્સર કરી હતી. જ્યારે આવનારમાંથી ઘણાંએ દિવાળી પાર્ટી અને આવતા વર્ષની પિકનિક માટે પોતાનો રોકડ ફાળો નોંધાવ્યો હતો. આ એકતા જોતાં લાગે છે કે પરદેશમાં પણ દેશ સદાય જીવંત રહેશે.