દાદીમા અને નાનીમાને પણ પોતાની સ્પેસ જોઈતી હોય છે…

દાદીમા અને નાનીમાને પણ પોતાની સ્પેસ જોઈતી હોય છે…

- in Samvedna, Womens World
2702
Comments Off on દાદીમા અને નાનીમાને પણ પોતાની સ્પેસ જોઈતી હોય છે…

ગીરાએ પોતાની જોબ હવે જતી કરવાની હતી. કેમ કે, એના સાસુ મૃદુલાબેન જેઓ સ્વભાવે એક સ્પષ્ટવક્તા છે. તેઓ ગીરાની ગેરહાજરીમાં એના છ મહિનાના દીકરાને સાચવવા તૈયાર નહોતાં. ડિલિવરી બાદ જ્યારે એને જોબ પર જવાનો સમય આવ્યો ત્યારે એના સાસુએ એને સ્પષ્ટ કહી દીધું કે ‘આવતા મહિેને હું અને તારા સસરા ર0 દિવસ માટે જાત્રાએ જવાના છીએ. આમ પણ હું મારી અમુક પ્રવૃત્તિમાં થોડી એક્ટિવ છું અને હવે પાછલી ઉંમરે હું મારી જિંદગી મારી રીતે જીવવા માગું છું. મને પણ દાદી બન્યાનો ઉમંગ છે! પૌત્રને રમાડવો ખૂબ ગમે છે, પરંતુ બાળઉછેરની સમગ્ર જવાબદારી લઇને સમય જતાં હું માત્ર બેબીસીટર જ બની રહીશ! અને મને એ નથી કરવું! અત્યાર સુધી બધી જવાબદારી નિભાવતા જ હતા. અમને પણ અમારો પોતાનો ટાઇમ જોઇએ ને? અમે અમારા છોકરા મોટા કર્યા, સાચવ્યા તો હવે તમારા છોકરાને તમે સાચવો!’

રીટાબેન જેઓ પણ દાદી છે. ખૂબ જ કેરિંગ સ્વભાવ ધરાવે છે. તેમની વાત કરીએ તો તેઓ તેના 3 વર્ષના પૌત્રને સાચવે, રમાડે, ઘરની અમુક જવાબદારી સંભાળે. પણ પૌત્રને રમાડવો અને એની સાથે મગજમારી કરવી, એની અતિશય ઉછળકૂદ, એની પાછળ ભાગાભાગી કરવી!  આ બધામાં પોતાના માટે તો રીટાબેનને કોઇ સમય મળતો જ નથી. ઇવન રીટાબેન પોતાના કોઇ સગાંસંબંધી સાથે ફોન પર વાત પણ ના કરી શકે. કેમ કે, પૌત્ર તેમને સામેવાળાની કોઇ વાત સાંભળવા જ ના દે અને ફોન જ એમના હાથમાંથી લઇ લે! રીટાબેન એકદમ અકળાઇ જતાં હતાં. મનમાં વિચારતાં મારો દીકરો અને વહુ ખૂબ જ સારા છે. એના દીકરા તરફ પણ મને ખૂબ જ લાગણી છે જ… મને પણ મારા પૌત્રને સાચવવો ગમે છે, પણ ઉંમરને કારણે થાક લાગે અને માનસિક રીતે પણ મને થોડી શાંતિ તો જોઇએ ને! રીટાબેન કોઇ ફરિયાદ નથી કરતાં, પણ તેઓને આવા વિચાર આવે છે. મતલબ કે તેઓને પણ પોતાની રીતે જ થોડો સમય નિરાંતે પસાર કરવો ગમે ખરો!

વર્ષાબેન એક હોશિલા દાદી છે. જેઓ દીકરો યુવાન થયો ત્યારથી એવું માનતાં આવ્યાં છે કે, દીકરાના લગ્ન બાદ હું મારી વહુને જોબ કરવા દઇશ! ઘરે એનું સંતાન હું સાચવીશ ને! અને અત્યારે તેઓ એક દાદી તરીકેની પોતાની ફરજ સરસ રીતે બજાવી રહ્યાં છે. પરંતુ મનથી તેઓ એક બંધન પણ અનુભવી રહ્યાં છે. કેમ કે, તેઓ પોતાની રીતે ક્યાંય બહાર આવ-જા નથી કરી શકતાં. કેમ કે, દીકરા ને વહુના જોબના ટાઇમ સાચવીને પુત્રીને પણ સાચવવાની ને?!

ઇલાબેન સ્વભાવે લાગણીશીલ એવા નાનીમા છે. તેઓ પોતાની દોહિત્રીને છેલ્લા બે વર્ષથી સાચવે છે. કેમ કે, તેમની દીકરી-જમાઇ પહેલાં બીજા શહેરમાં રહેતાં હતાં અને ત્યાંથી અહીં ટ્રાન્સફર થઇને આવ્યાં છે. તો તેમની દીકરી રેખા પોતાની પુત્રીને નાનીમા પાસે મૂકીને જોબ પર જાય છે. સવારે મૂકી જાય છે અને સાંજે તેડી જાય. સાઇઠ વર્ષીય ઇલાબેન પણ સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી બીમારી ધરાવે છે. તેથી ઘર સંભાળવા સાથે દોહિત્રીને સ્કૂલે મોકલવી, સ્કૂલેથી આવે એટલે એની સંભાળ લેવી એ સહેલું તો નથી જ. તેમ છતાં તેઓ પ્રેમથી દોહિત્રીની સંભાળ આખો દિવસ લે છે. તેમને વિચાર આવતા હોય. આ બીપી, ડાયાબિટીસ અને પગની તકલીફ સાથે આ કામ સહેલું

નથી. ઉંમરના કારણે હવે આ બધું મને થકવી નાખે છે.

આવી રીતે દાદીમા અને નાનીમા પોતાના પૌત્ર અને દોહિત્રને આખો દિવસ સાચવે, સંભાળ લે એવા તો પ્રસંગો અત્યારે ઘણા ઘરોમાં જોવા મળશે. આ વિશે ચર્ચા કરીએ તો ખૂબ લાંબી ચાલે. એમાં બેઉં પક્ષ માટે દલીલ પણ થાય અને બચાવ પણ આવે. પરંતુ આમાં એવું છે કે વર્કિંગ વુમનને દાદા-દાદીમા કે નાના-નાનીમા પાસે પોતાના સંતાનને સાચવવા માટે મૂકવા છે. આ એક રીતે એક આદર્શ પરિસ્થિતિ છે જ. કેમ કે, બાળકો પોતાના ગ્રાન્ડ પેરેન્ટ્સ પાસે ઘણું બધું શીખી શકે છે જ. તો સામે વડીલોને પણ પોતાની જિંદગી પોતાની રીતે જીવવા માટે થોડો સમય તો જોઇએ છે! પરસ્પર પ્રેમ અને લાગણી તો બેઉ પક્ષ ધરાવે જ છે, પરંતુ વાત અહીં વડીલોને જોઇતી થોડી મોકળાશની છે, થોડી સ્પેસની છે.

જોકે, આમાં વાતચીત કરીને પ્રોબ્લેમ સોલ્વ કરવો એ જ સરસ ઉપાય છે. મનમાં મૂંઝાવું અને ઘૂઘવાટ રાખવો એના કરતાં તો ખૂલ્લા દિલથી જ પોતાના સંતાનોને આ વાત કહેવાથી પ્રશ્ર્નનો ઉકેલ આવી જાય છે. સાથે જ ઘરનું વાતાવરણ આનંદભર્યું જળવાઇ રહે છે. આમ, દાદીમા કે નાનીમા પણ પોતાને મનગમતી સ્પેસ મેળવી શકે છે. મનપસંદ પ્રવૃત્તિ કરી શકે છે.

 

Facebook Comments

You may also like

“Welcome Zindagi” Moves Atlanta Audience with Soulful Gujarati Storytelling

The International Gujarati Cultural Society of Atlanta (IGCSA)