ગુલાબના ફૂલ

ગુલાબના ફૂલ

- in I K Vijaliwala
2521
Comments Off on ગુલાબના ફૂલ
ગુલાબના ફૂલ

આઈ. કે. વીજળીવાળા

તેણે ભીના અવાજે કહ્યું, ‘બહેન, મારો પતિ સાત દિવસ પહેલાં ગુજરી ગયો છે. એને પણ આ ટી-બોન ખૂબ ભાવતી ચીજ હતી. આજે હવે એ જ નથી રહ્યો. જો મારો પતિ ફરી એકવાર પણ મારી સાથે ભોજન લેવા પાછો આવે તો હું એના પચાસ ગણા વધારે પૈસા આપવા તૈયાર છું…’

પરદેશની વાત છે.

ભારે હૃદયે એક સ્ત્રી ત્યાંના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં દાખલ થઇ. ખરીદી કરવા માટે એ હજુ આગળ વધે એ પહેલાં જ કેશ-કાઉન્ટર પાસે એના પગ અટકી ગયા. એની આંખોમાં આંસુ ધસી આવ્યાં. સાત જ દિવસ પહેલાં ગુજરી ગયેલો એનો પતિ એને યાદ આવી ગયો. પહેલાં જ્યારે પણ એ લોકો આ સ્ટોરમાં ખરીદી કરવા આવતાં ત્યારે ખરીદી પતાવ્યા પછી એ અને એનો પતિ કેશ-કાઉન્ટર પાસે પહોંચતાં ત્યારે એનો પતિ હંમેશા એવું કહેતો કે, ‘હું હમણાં આવું’ અને પછી સ્ટોરમાં પાછો જતો રહેતો. જો કે, એ ક્યાં ગયો હશે એની એ સ્ત્રીને હંમેશાં જાણ જ હોય. એ પાછો ફરે ત્યારે અચૂકપણે એના હાથમાં ગુલાબનાં સૌથી સુંદર ગુલાબી ફૂલો હોય જ! એના પતિને ખબર હતી કે એને ગુલાબનાં ફૂલ ખૂબ ગમતાં હતાં. એ ક્રમ ક્યારેય પણ તૂટ્યા વગર વરસો સુધી એમ જ ચાલ્યો હતો.

એ ઊભી રહી ગઇ. હવે તો એનો પતિ આ દુનિયામાં જ નહોતો રહ્યો. એને થયું કે એ અદ્ભુત ક્ષણો ફરીથી ક્યારેય નહીં આવે. આ કેશ-કાઉન્ટર પાસે હવે એ ઘટના ક્યારેય ફરીથી નહીં બને એ વાત શારડીની માફક એના હૃદયમાં ફરતી હતી. એની બંને આંખોમાંથી આંસુની ધાર ચાલી. જૂના દિવસોના વિચારોમાં એ સંપૂર્ણપણે ખોવાઇ ગઇ હતી. થોડો સમય એમ જ પસાર થઇ ગયો.

આવતાં-જતાં લોકોનું ધ્યાન પોતાના પર પડવા લાગ્યું છે એ બાબતથી સચેત થઇને એણે પોતાનાં આંસુ લૂછી નાખ્યાં અને આગળ વધી ગઇ. સ્ટોરમાં ફરીને પોતાની જોઇતી વસ્તુઓ શોધતાં શોધતાં એ નોનવેજ સેક્શનમાં પહોંચી. નજીકના ઘોડામાં જ એણે ટી-બોન (એક નોનવેજ આઇટમ)નાં પેકેટ જોયાં. ફરી એકવાર એ વિચારોમાં ખોવાઇ ગઇ. કારણકે, ટી-બોન એના પતિને ખૂબ જ ભાવતી વાનગી હતી. એણે ટી-બોનનું પેકેટ લેવાનું વિચાર્યું. થોડીવાર વિચારોમાં જ ટી-બોનના પેકેટને જોતી એ ઊભી રહી.

બરાબર એ જ વખતે એની બાજુમાં, લીલા રંગનો આકર્ષક ડ્રેસ પહેરેલી એક યુવતી આવીને ઊભી રહી ગઇ. એણે પણ આવતાં વેંત પેલું ટી-બોનનું પેકેટ ઉપાડ્યું અને બાસ્કેટમાં મૂક્યું. પણ અચાનક એની નજર પેકેટ પર છાપેલી કિંમત પર પડી. એ થોડીક ખચકાઇ. થોડોક વિચાર કરીને એણે એ પેકેટ બાસ્કેટમાંથી કાઢીને એની મૂળ જગ્યાએ ઘોડામાં મૂકી દીધું. મૂકતી વખતે એનું ધ્યાન આ સ્ત્રી પર પડ્યું. બંને સામસામે જોઇને હસ્યાં. લીલા ડ્રેસવાળી યુવતી થોડા ક્ષોભ સાથે બોલી, ‘મારા પતિને ટી-બોન ખૂબ જ ભાવે છે. પણ એનો ભાવ જોઇને એ ખરીદવાની મારી હિંમત જ નથી ચાલતી!’

આ સ્ત્રીએ સહેજ ભીના અવાજે કહ્યું, ‘બહેન! મારો પતિ સાત દિવસ પહેલાં ગુજરી ગયો છે. એને પણ આ ટી-બોન ખૂબ ભાવતી ચીજ હતી. આજે હવે એ જ નથી રહ્યો. જો મારો પતિ ફરી એકવાર પણ મારી સાથે ભોજન લેવા પાછો આવે તો હું આની જે છાપેલી કિંમત છે એનાથી પચાસ ગણા પૈસા વધારે આપવા તૈયાર છું. જો આર્થિક મુશ્કેલી વધારે ન હોય તો હું તને એક વણમાગી સલાહ આપું છું. બહેન! કે તું એ ખરીદી લે. ઇશ્ર્વર જ્યાં સુધી તમને એકબીજાને જોડે રાખે ત્યાં સુધી મળતી દરેક ક્ષણને માણી લો. એકાદ જણ જતું રહે પછી તો ફક્ત ‘આ કર્યું’ અને ‘આ ન કર્યું’નો અફસોસ જ રહેતો હોય છે.’

લીલા ડ્રેસવાળી યુવતી વિચારમાં પડી ગઇ. પછી આ સ્ત્રીની સામે હસીને ટી-બોનનું પેકેટ ફરીથી ઉઠાવીને પોતાની બાસ્કેટમાં મૂકીને આગળ વધી ગઇ. થોડુંક હસીને આ સ્ત્રીએ પણ પોતાની ખરીદીમાં મન પરોવ્યું.

બધી ખરીદી પતાવીને એ કેેશ-કાઉન્ટર પાસે પહોંચી. ફરીથી એને એનો સ્વર્ગસ્થ પતિ યાદ આવી ગયો. એની આંખોમાં આંસુ આવવાની તૈયારીમાં જ હતાં ત્યાં જ એની નજર ફરી એકવાર પેલી લીલા આકર્ષક ડ્રેસવાળી યુવતી પર પડી. એ જાણે એને જ શોધતી હોય એમ નજર મળતાં જ એ દોડતી એની પાસે આવી.

નજીક આવીને એ યુવતીએ પોતાની બાસ્કેટમાંથી ગુલાબનાં સૌથી સુંદર ગુલાબી ફૂલો બહાર કાઢ્યાં અને આ સ્ત્રીને આપતાં બોલી, ‘આ ખાસ તમારા માટે જ છે. પ્લીઝ! ના નહીં કહેતાં!’ એટલું કહી, ગુલાબનાં ફૂલ એના હાથમાં પકડાવીને એ લગભગ દોડતી જ જતી રહી.

પેલી સ્ત્રી સ્તબ્ધ બનીને ત્યાં જ ઊભી રહી ગઇ. વરસો સુધી જે ઘટનાક્રમ એનો પતિ જ્યારે સાથે હોય ત્યારે બનતો એ આજે એના ગયા પછી પણ જાણે કે એમ જ રિપીટ થઇ રહ્યો હતો. એના માન્યામાં જ નહોતું આવતું. એણે તો એવું જ માનેલું કે આવું હવે કોઇ દિવસ બનશે જ નહીં. પેલી યુવતીને કેમ ખબર પડી હશે કે ગુલાબનાં આ જ ફૂલ એને ગમે છે? એને ખબર પડી હશે કે બસ એ બધું એમ જ યોગાનુયોગ જ ગણવાનું?

અચાનક એના મનમાં ઝબકારો થયો. એને લાગ્યું કે એ ત્યાં એકલી ન હોતી! ગુલાબનાં ફૂલ પર હાથ ફેરવી, ઊંચે આકાશ તરફ જોઇને એ મનોમન બોલી, ‘તમે મને નથી ભૂલ્યા એની ખાતરી કરાવો છો? થેન્ક્યુ માય ડિયર. મને આ ક્ષણોનો ફરીથી અનુભવ કરાવવા બદલ થેન્ક્યુ વેરી મચ!’

આટલું બોલતાં એની આંખોમાંથી આંસુ સરી પડ્યાં.

પછી જાણે એનો પતિ એનો હાથ પકડીને ત્યાં બાજુમાં જ ઊભો હોય એમ થોડીવાર એ પોતાની બંને આંખો બંધ કરીને ગુલાબનાં ફૂલ પર હાથ ફેરવતી ત્યાં જ ઊભી રહી ગઇ. બરાબર એ જ જગ્યાએ જ્યાં સ્ટોરમાં દાખલ થતી વખતે ઊભી રહી ગઇ હતી.

ઊંચે આકાશ તરફ જોઇને એ મનોમન બોલી, ‘તમે મને નથી ભૂલ્યા એની ખાતરી કરાવો છો? થેન્ક્યુ માય ડીયર…’

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો